Saturday, July 15, 2017

રાજુની રમૂજ

*હાસ્યેન સમાપયેત્*

દરિયામાં હોય એને મોતી કહેવાય,
તો આંખોમાં હોય એને શું?
લે ક્હે હવે તું...
.
.
.
.
*મોતિયો* કહેવાય! બીજું શું?
                 ■

મારા વિશે મારા ધર્મપત્નિજીની કેટલીક રચનાઓ
જોઇને તમારો ઘેરાવો
.
.
.
ક્હેવાનું મન જ ન થાય કે
.
ઘેર-આવો!!
                    ■

 आ तेरे होठों पे लिख दूँ एक नाम




श्री राम जय राम जय जय राम!!
                   ■

શું તમારી ચાલ'ને શું તમારી અદા,
તમે મારા ભીમ'ને હું તમારી ગદા!
                   ■

આમ તો ચહેરો તમારો ઠીક લાગે છે,
પણ કોણ જાણે જોઇ તમને બીક લાગે છે!
                ■

એક બ્હેન ક્હે મારે સતી થવું છે!
મેં કહ્યું - "તમારાથી સતી ન થવાય કારણ કે, *સતીના ઘરવાળા શિવ હોય,જ્યારે તમારા દર રવિવારે દીવ હોય*"
                 ■

મારો વિદ્યાર્થી જીતુ ક્હે " સાહેબ, આપણી બસ એક જ તમન્ના છે - આખા ગામમાં *વર્લ્ડ ફેમસ* થાવું છે!!!"
                     ■

મારો દીકરો ધ્યેય એની મમ્મીને ક્હે " મમ્મી,હું ટી.વી. જોઉં?"
એની મમ્મી ક્હે " હા,જો પણ ચાલુ નહિ કરતો !!"
                    ■

એક બ્હેન ખાદી ભંડારમાં રાષ્ટ્રધ્વજ ખરીદવા ગયા. ખાદી ભંડારવાળા ભાઇએ આઠ-દસ જુદી જુદી સાઇઝમાં સુતરાઉ અને રેશમી ધ્વજ બતાવ્યા પછી એ બ્હેન બોલ્યા - " ભાઇ,આમાં બીજા કલર હોય તો બતાવજોને?"!!!
                 
             ■■■■■■■

Monday, May 1, 2017

૧+૧=૨ ક્યારે ન થાય?

શનિવારીય બાલસભામાં એક બાળકે કોયડાના રૂપમાં પ્રશ્ન પૂછ્યો : " ૧+૧=૨ ક્યારે ન થાય? " દરેકે પોતાની સમજણ મુજબ જવાબો આપ્યા પણ આ પ્રશ્નના સાચા ઉત્તર સુધી કોઇ પહોંચી શક્યું નહિ. પ્રશ્ન પૂછનાર બાળકે શિક્ષકોને પણ જવાબ આપવાની છૂટ આપી. એક સન્નાટો છવાઇ ગયો. સામાન્ય રીતે ૧+૧=૨ જ થાય એવી પાકી સમજણ ધરાવતાં શિક્ષકોએ તે બાળકને જ એ પ્રશ્નનો જવાબ આપવા કહ્યું.બાળકે સ્મિત આપતાં કહ્યું : " સાહેબ, દાખલો ખોટો હોય ત્યારે ૧+૧=૨ ન થાય. "

શું તમને કોફી ભાવે છે?

એક ભાઇના નવા નવા લગ્ન થયા! લગ્નના બીજા દિવસે તેમની ઊંઘ તેમના પત્ની કરતાં થોડી વહેલી ઉડી ગઇ. તેમણે પથારીમાંથી ઊભા થઇ દૈનિક ક્રિયાઓ પતાવી. ત્યારબાદ રસોડામાં જઇ બે કપ કોફી બનાવી. એટલી વારમાં તેમના પત્ની ઉઠી ગયાં.પેલા ભાઇએ કોફીનો એક કપ પોતાના માટે રાખ્યો અને બીજો કપ પોતાના પત્ની તરફ લંબાવ્યો. આ રીતે રોજ પેલા ભાઇ સવારે વહેલા ઉઠે,બે કપ કોફી બનાવે,એક કપ પોતે પીવે અને બીજો કપ પોતાના પત્નીને આપે.આ ઘટનાક્રમ જીવનના બીજા ૫૦ વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા કર્યો.લગ્નની સુવર્ણ જયંતિના દિવસે પણ પેલા ભાઇ હંમેશની માફક સવારે વહેલા ઉઠ્યા.૭૦-૭૨ વર્ષની ઉંમરે હળવાં ડગલાં ભરતાં તેઓ રસોડા તરફ ગયા.ધ્રુજતા હાથે ગેસનો સ્ટવ ચાલુ કરી તપેલી મુકી.બે કપ કોફી તૈયાર કરી.સર્વિંગ પ્લેટમાં બન્ને કપ ગોઠવી તે પોતાના પત્ની પાસે ગયા.કોફીનો કપ તેમણે શ્રીમતિજી તરફ લંબાવ્યો પણ અચાનક તેમની દ્રષ્ટિ તેણીની આંખ પર પડી.તેમાંથી દડદડ દડદડ આંસુની ધાર વહી રહી હતી. અનાપેક્ષિત શ્રાવણ-ભાદરવો નિહાળી પેલા ભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા.તેમણે શ્રીમતિજીને સાંત્વના આપતા કહ્યું કે "આજે આપણા લગ્નની સુવર્ણ જયંતિ છે.૫૦ વર્ષોમાં આપણી વચ્ચે કોઇ અણબનાવ નથી બન્યો. બે દીકરા છે બન્ને વેલસેટ છે.વહુઓ પણ દીકરીથીયે વિશેષ મળી છે.તારો ખૂબ જ ખ્યાલ રાખે છે.તને કોઇ વાતનું દુઃખ નથી.વળી, હું પણ તારા માટે રોજ કોફી બનાવું છું. તો પછી તું શા માટે રડે છે?" પેલા બહેને રડતાં રડતાં કહ્યું કે " તમે મને ક્યારેય પૂછ્યું છે કે - તને કોફી ભાવે છે? આ તો પરણીને આવી તેના પહેલા દિવસે તમે પ્રેમથી કોફી બનાવી એટલે મેં પી લીધી.મને શું ખબર કે આ ક્રમ આટલા વર્ષો સુધી ચાલશે!!

વીસ રૂપિયામાં વર્લ્ડ ટૂર!!!

ખારીસિંગ.... દાળિયા.... બિસ્કિટના પડિકાં!!!!
ગીરગઢડાથી વે..રા..વ..ળ સુધીની રેલગાડીની લાં....બી ( સમયની રીતે લાંબી,અંતરની રીતે તો ટૂંકી જ!!) મુસાફરીમાં અચૂક સાંભળવા મળતો આ સ્વર,સ્ટેશનેથી ગાડી છૂટે એ પહેલાં અલ્ટિમેટમ આપતો પાવાનો પૂ..ઉ..ઉ...પ એવો અવાજ,આંખો ધરાઇ જાય તોયે પૂરું ન થતું પિંછડી ગામનું લાંબુલસ્સ તળાવ,જામવાળાથી આરંભાતું ગીરનું પ્રાકૃતિક વાતાવરણ અને ઓછી ખાંડ'ને એલચીવાળા પેડા ખરીદવા ઈજન આપતા ફેરિયાઓનો સમૂહ,હૈયેહૈયું દળાય એ શબ્દસમૂહનો અર્થ સમજાઇ જાય એટલું માનવ મહેરામણ આપણા ડબ્બામાં જ ઉમટી પડે!!
આપણી ગાડી ક્યાંક અધવચ્ચે ઊભી રહી ગઇ હોય એમ લાગે (હરિ મારું ગાડું ક્યાં લઇ જાય?) પણ પછી ખ્યાલ આવે કે આ તો વલાદરનું પાટિયું છે!! વલાદર-હડમતિયા-જાંબૂર સ્ટેશનો પરથી ઉમેરાંતા મુસાફરો તેમના વાંકડિયા વાળ અને ચળકતા કાળા રંગથી તમને કંઈક નવી જ દુનિયામાં પહોંચી ગયાનો ભાસ કરાવે!!(મુજે મેરી મસ્તી કહાઁ લે કે આઈ!) પણ.. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાંથી આપ તરત પરત આવો છો આ સીદી ભાઇઓ બહેનોના વિશિષ્ટ લહેકા સાથેના ગુજરાતી વાર્તાલાપોથી!!
તાલાળા આવે એટલે (જં.) શબ્દનો ખ્યાલ આવે.એક પછી એક સિગ્નલ પડે એટલે રેલગાડીઓ આવે.એકાદ ગાડીનું એન્જિન આગળથી છૂટું પડી પાછળ જોડાય!! ત્યારે LV  લખેલું લાલ રંગનું પાટિયું પણ બદલાય.આ LV  એટલે લાસ્ટ વ્હિકલ -છેલ્લું વાહન (અહીં ડબ્બો)
તાલાળામાં ગાડી ઘણા લાંબા સમય સુધી પડી રહે. ઉપડવાના સમયે ફરી પાછું પૂ..ઉ..ઉ...પ અને સ્થિર થવા આવેલું વાતાવરણ ફરી એકવાર જીવંત થઇ જાય.
સવની જેવાં એકાદ છૂટપૂટ સ્ટેશન લઇ ટ્રેન પહોંચે વેરાવળ!!!
વીસ રૂપિયામાં જાણે વર્લ્ડ ટૂર કરી હોય એવી રૉયલ ફિલિંગ થાય.
________________

■ પુરસ્કાર ■

નવોદયમાં છઠ્ઠું પૂરું કરીને સાતમા ધોરણમાં અરધેથી ફરી પાછો ગામની નિશાળમાં ભણવા આવી ગયેલો.અમારા આદરણીય શિક્ષક બાબુસાહેબ પરમારે લખી આપેલ નિબંધને રીતસર ગોખીને હું તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ભાખા(તા.ઊના) મુકામે ગયો.વિષય પણ આજેય યાદ છે..."અનાજનો બગાડ અટકાવવાના ઉપાયો"  લગભગ પાંચેક મિનિટ બોલવાનું હતું. એમાં ત્રીજો નંબર આવ્યો એટલે ઇનામ સ્વરૂપે પાંત્રીસ રૂપિયાનો પુરસ્કાર મળ્યો.બંદા તો હવામાં! જૂઓ - આપણો એક મિનિટ બોલવાનો ભાવ સાત રૂપિયા છે હં!! બા પણ રાજી થયેલી.ત્યારે એના રૂપિયા ૯૨૮/-ના ફેમિલી પેન્શન પર ઘર ચાલતું.
સાતમું પૂરું કરી આઠમા ધોરણથી ગીરગઢડા અભિનવમાં ભણવા જવાનું થયું. એ દરમિયાન ગીરગઢડામાં જાદુગર હાકાશાનો મુકામ થયો. દિવસે શાળાઓ માટે રાહત દરના શૉ થાય,જ્યારે રાત્રે મોટેરાંઓ માટેનો ટિકિટ શૉ હોય.હું આવા જ એક વિદ્યાર્થી કન્શેસન શૉમાં ગયેલો.એક સાથે બે-ત્રણ શાળાઓ માટે આ શૉ હતો.એકાદ શાળાના બાળકો હજી આવવાના બાકી હશે.ઑડિયન્સમાં ગણગણાટ થતો હતો.જાદુગરે શૉ શરૂ થાય એ પહેલાં કોઇને કંઇ રજૂ કરવું હોય તો ઇજન આપ્યું 'ને આપણા રામ પહોંચી ગ્યા સ્ટેજ પર.પંદરેક મિનિટ નાની મોટી રમૂજો આવડે એ રીતે પીરસી.જાદુગરે રાજી થઇ શૉ દરમિયાન ફરીથી સ્ટેજ પર બોલાવી રૂપિયા ૧૧/-નો પુરસ્કાર આપેલો અને જ્યારે પણ શૉ જોવા આવવું હોય વગર ટિકિટે આવવાની છૂટ પણ આપી.એ અગિયાર રૂપિયામાંથી ત્રણની સિંગ રેલવે સ્ટેશને આવીને લીધેલી.વધેલા આઠ રૂપિયા બાના હાથમાં મૂક્યા પણ બા રાજી ન થઇ! ઉલ્ટાનું ફરીવાર એ જાદુગર જોવાય નથી જવાનું એવી કડક સૂચના મળી.જો કે આની પાછળ મારા છોકરાને કોઇ ઉપાડી જાય તો? એવી માતૃ સહજ ચિંતા જ હોય!

આ બે પુરસ્કારો પછી માત્ર બોલીને ઘણા પુરસ્કાર મળ્યા છે.રેડિયો અને ટી.વી. પર કેટલીયે વાર જવા મળ્યું છે પણ આ બે પુરસ્કારોનો રોમાંચ આજે પણ સ્મૃતિમાં અકબંધ છે.

હા.... અમે ગુજરાતી

અમે કેરી ખાઇએ પછી ગોટલા નિચોવીને ફજેતો (કઢી) બનાવીએ...
ત્યારબાદ મુંડેલ જોગી જેવા થઇ ગયેલા એ ગોટલાની સુકવણી કરી એમાંથી ગોટલી કાઢી તેનો મુખવાસ બનાવીએ...
ગોટલામાંથી ગોટલી કાઢી લીધા પછી પણ બાકી રહેલા ભાગમાંથી છોકરાં ફેરકણું બનાવે...
ફેરકણું તૂટી જાય એટલે એનો ચૂલામાં બળતણ તરીકે ઉપયોગ કરી લઈએ...
અને ત્યાં પુરૂં ન થાય હોં !....
એ ચૂલાની રાખનેય આપણે વાસણ સાફ કરવામાં વાપરી જાણીએ!!!!

જય જય ગરવી ગુજરાત.

■ મારો હવાઇયાત્રાનો અનુભવ ■

આજકાલ એરલાઇન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઇના લીધે હવે વિમાનનું ભાડું 2AC ટ્રેનની ટિકિટની લગોલગ પહોંચી ગયું છે જેથી મારા જેવા મધ્યમવર્ગના વ્યક્તિ માટે સહપરિવાર હવાઇયાત્રા શક્ય બની શકી છે.મારો આઠ વર્ષનો દીકરો ખૂબ જ એક્સાઇટેડ હતો.સોમવારની વહેલી સવારની ચાર વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી.અમે રાતના અઢી-પોણા ત્રણ વચ્ચે એરપૉર્ટ પહોંચ્યા.મિત્રએ એરેન્જ કરેલ ગાડી અમને એરપોર્ટ ડ્રૉપ કરી ગઇ.ડોમેસ્ટિક ટ્રાવેલિંગ તો ડોમેસ્ટિક એરપોર્ટ પરથી જ હોય ને? (આ તો શું કે આપણે એકાદ બે વાર અગાઉ આવી ઉડણ જાતરા એકલાં એકલાં કરેલી એટલે મનમાં ફ્રિક્વન્ટ ફ્લાયર હોવાનો ફાંકો હોય ને?)અમે સરદાર વલ્લભભાઇ પટેલ એરપૉર્ટ,અમદાવાદના ટર્મિનસ-1 પર આગળ વધ્યા. એન્ટ્રી પોઇન્ટ પર પહોંચ્યા તો અમને કહેવામાં આવ્યું કે અમારી ફ્લાઇટ તો ઇન્ટરનેશનલ એરપૉર્ટ એટલે કે ટર્મિનસ-2 પરથી છે!! મેં ટિકિટમાં જોયું તો એમાં એ જ વીગત હતી.ભૂલ મારી જ હતી.બહાર આવી ઑટો રીક્ષા પકડી અમે ફટાફટ નજીકમાં જ આવેલ ટર્મિનસ-2 પહોંચ્યા. બૉર્ડિંગ પાસ મેળવી આગળ વધ્યા.પ્રતિ વ્યક્તિ એક હેન્ડબેગ એલાઉડ હોઇ અમે માત્ર એક જ બેગ ચેક-ઇન બેગેજમાં મૂકી.સવારની ઠંડીના લીધે મેં તાજું જ ખરીદેલું જેકેટ પહેરેલું.મુંબઇ સ્નેહીજનોને આપવા લીધેલ ફૂડ આઇટમ્સ હતી.દીકરા ધ્યેયની રમકડાંની ગન પણ હેન્ડ બેગમાં હતી.મોટાભાગે ઘરનું જ પાણી પીવાની ટેવ હોવાના લીધે બે બૉટલ સાથે હતી! બૉર્ડિંગ પાસ આપતી વખતે અમને મીઠા ઠપકાની જેમ કહેવાયું હતું "Sir,you are already late. Please do hurry" અમે સિક્યુરિટી ચેક માટે આગળ વધ્યા એટલે અમને કહેવામાં આવ્યું કે "trolies are not alowed inside"વાતેય સાચી હતી,હેન્ડબેગ તો હાથમાં જ હોય ને? ઊંઘ અને મુસાફરીથી થાકેલ ધ્યેય પાસે હેન્ડ બેગ ઉંચકવાની આશા વ્યર્થ હતી તેથી મેં બન્ને બેગ ઉંચકી તેને સાથે લીધો.રશ્મિ તેની હેન્ડબેગ સાથે લેડિઝ રૂટ પર આગળ વધી.બેગ સ્કેનમાં મોકલી અમે સિક્યુરિટી ચેક માટે ગયા તો અમને જેકેટ ઉતારી સ્કેનમાં મૂકવાની સૂચના મળી.એ કરી આગળ વધ્યા તો અમારી એક બેગ physical verification માટે અટકાવવામાં આવી હતી.પંદરેક મિનિટના વ્યાયામ બાદ એમાં ટૉય ગન છે એટલે એ રોકવામાં આવી છે એ સમજાયું. ફૂડ આઇટમ્સ પણ ચકાસવામાં આવી. ધ્યેયની ટૉય ગન લઇ લેવામાં આવી જેથી તે રડવા લાગ્યો.એરપૉર્ટ પરના ભલા ઑફિસરે બીજા બાળકોના રમકડાં પણ આ રીતે લઇ લેવામાં આવ્યા છે એ સમજાવી તેને શાંત કરવાની કોશિશ કરી.રશ્મિની હેન્ડબેગમાં પાણીની બે બૉટલ હોઈ એક કઢાવડાવી લેવામાં આવી હતી. આ સઘળા ચક્રવ્યૂહ ભેદીને અમે ગેટ-4 પર બૉર્ડિંગ માટે પહોંચ્યા.મને એમ હતું કે હાશ! પત્યું! પણ મારી એ ધારણાને ખોટી પૂરવાર કરવાનું જાણે આજે એરપૉર્ટ ઑથોરિટીઝે બીડું ઝડપ્યું હતું.પેનલ ડિસ્પ્લેમાં AI030 Boarding..  નું સ્ટેટસ આવતું હોવાં છતાં એમિરાત એરલાઇન્સની એક ઇન્ટરનેશનલ ફ્લાઈટને પ્રાથમિકતા આપવાની હોઇ અમને ગેટ-4 પાસે ખાસ્સી 25-30 મિનિટ રાહ જોવડાવવામાં આવી અને એ પણ કોઇ સિટીંગ અરેન્જમેન્ટ વિના માત્ર ઊભા ઊભા! સરકારી વ્યવસ્થા અસરકારી તો કેમ થઇ શકે? આખરે અમે ઑન બોર્ડ થયા!!
બૉઇંગ-787 પ્રકારનું વિશાળ એરક્રાફ્ટ અમારી ઉડાણ માટે તૈયાર હતું. એર ઇન્ડિયાની રિટાયરમેન્ટના આરે પહોંચેલ અનુભવી! એર હોસ્ટેસો તથા મૂછાળા એર હોસ્ટો (મને તો આ જ નામ સૂઝ્યું) એ અમારું સ્વાગત કર્યું. વિમાન પ્રવેશમાં પડેલ અડચણોની તુલનામાં પ્રવાસ ખૂબ આરામદાયક રહ્યો.ધ્યેયને સીટ પરના પેનલ કિઑસ્કમાં રસ પડ્યો એટલે તેણે બધો સમય એ જ યૂઝ કર્યે રાખ્યું. આ ફ્લાઇટમાં Free meal તરીકે એક કપ કેક, વેજ સેન્ડવીચ અને ફ્રૂટ જ્યૂસ સર્વ કરાયા. ફૂડ વૉઝ રિઅલી ગૂડ. સવારે 5:15 વાગ્યે અમારી સવારી મુંબઇ પહોંચી.
સાઇલન્ટ એરપૉર્ટ પર બધું કામ સાઇલન્ટલી ચાલી રહ્યું હતું એટલે મહામહેનતે અમને ખબર પડી કે અમારી ચેકઇન બેગ બેલ્ટ નં.1 પર આવવાની છે.અમે માંડ બેલ્ટ નં.3 ઉપર પહોંચ્યા તો બેલ્ટ 1 અને 2 બંધ હાલતમાં જોવા મળ્યા!! એર ઇન્ડિયા કાઉન્ટર પર ઇન્કવાયરી કરતાં જવાબ મળ્યો - બેલ્ટ નંબર વન નહિ પણ ઇલેવન પર અમારું બેગેજ આવશે. કદાચ આ  silent એરપૉર્ટ પર પહેલી વખત 'ઇલે'સાઇલન્ટ હોઇ અમને ઇલેવનના બદલે વન સંભળાયું હશે! અમે જેમ તેમ કરીને બેલ્ટ નં.11 પર પહોંચ્યા.પંદરેક મિનિટ સુધી પટ્ટા પર પ્રદક્ષિણા કરતા બેગેઝિસ નિહાળી હું કંટાળ્યો.પેનલ ડિસ્પ્લે પર હજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જ બતાવાતી હતી.મેં ફરી ક્વેરી કરી તો મને બેલ્ટ-12 પર ચેક કરવા કહ્યું! ત્યાં પહોંચ્યો તો બેલ્ટ-11 પર જ અમારો સામાન આવવાનો છે એવો સંદેશ સ્ક્રિન પર આવતો હતો. હું ફરી પાછો બેલ્ટ-11 નજીક ગોઠવાયો.આ બધો વખત રશ્મિ અને ધ્યેય એક તરફ ઊભી બાકીની બેગ્ઝનું ધ્યાન રાખતા હતાં.લગભગ બીજી પંદર-વીસ મિનિટ રાહ જોયા બાદ આખરે અમને અમારી બેગ મળી. લોંગ ટર્મની હૉમ લૉન ચૂક્તે થાય ત્યારે જેવી નિરાંત થાય એવી નિરાંત અમને થઇ. સવારે 6:30 વાગ્યે અમે મુંબઇના ઈન્ટરનેશનલ એરપૉર્ટમાંથી બહાર નીકળ્યા.છેલ્લા ચાર કલાકમાં અમે એક કલાક પ્લેનમાં અને એનાથી ત્રણ ગણો સમય એરપૉર્ટ પર વિતાવ્યો હતો.