Monday, May 1, 2017

■ પુરસ્કાર ■

નવોદયમાં છઠ્ઠું પૂરું કરીને સાતમા ધોરણમાં અરધેથી ફરી પાછો ગામની નિશાળમાં ભણવા આવી ગયેલો.અમારા આદરણીય શિક્ષક બાબુસાહેબ પરમારે લખી આપેલ નિબંધને રીતસર ગોખીને હું તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ભાખા(તા.ઊના) મુકામે ગયો.વિષય પણ આજેય યાદ છે..."અનાજનો બગાડ અટકાવવાના ઉપાયો"  લગભગ પાંચેક મિનિટ બોલવાનું હતું. એમાં ત્રીજો નંબર આવ્યો એટલે ઇનામ સ્વરૂપે પાંત્રીસ રૂપિયાનો પુરસ્કાર મળ્યો.બંદા તો હવામાં! જૂઓ - આપણો એક મિનિટ બોલવાનો ભાવ સાત રૂપિયા છે હં!! બા પણ રાજી થયેલી.ત્યારે એના રૂપિયા ૯૨૮/-ના ફેમિલી પેન્શન પર ઘર ચાલતું.
સાતમું પૂરું કરી આઠમા ધોરણથી ગીરગઢડા અભિનવમાં ભણવા જવાનું થયું. એ દરમિયાન ગીરગઢડામાં જાદુગર હાકાશાનો મુકામ થયો. દિવસે શાળાઓ માટે રાહત દરના શૉ થાય,જ્યારે રાત્રે મોટેરાંઓ માટેનો ટિકિટ શૉ હોય.હું આવા જ એક વિદ્યાર્થી કન્શેસન શૉમાં ગયેલો.એક સાથે બે-ત્રણ શાળાઓ માટે આ શૉ હતો.એકાદ શાળાના બાળકો હજી આવવાના બાકી હશે.ઑડિયન્સમાં ગણગણાટ થતો હતો.જાદુગરે શૉ શરૂ થાય એ પહેલાં કોઇને કંઇ રજૂ કરવું હોય તો ઇજન આપ્યું 'ને આપણા રામ પહોંચી ગ્યા સ્ટેજ પર.પંદરેક મિનિટ નાની મોટી રમૂજો આવડે એ રીતે પીરસી.જાદુગરે રાજી થઇ શૉ દરમિયાન ફરીથી સ્ટેજ પર બોલાવી રૂપિયા ૧૧/-નો પુરસ્કાર આપેલો અને જ્યારે પણ શૉ જોવા આવવું હોય વગર ટિકિટે આવવાની છૂટ પણ આપી.એ અગિયાર રૂપિયામાંથી ત્રણની સિંગ રેલવે સ્ટેશને આવીને લીધેલી.વધેલા આઠ રૂપિયા બાના હાથમાં મૂક્યા પણ બા રાજી ન થઇ! ઉલ્ટાનું ફરીવાર એ જાદુગર જોવાય નથી જવાનું એવી કડક સૂચના મળી.જો કે આની પાછળ મારા છોકરાને કોઇ ઉપાડી જાય તો? એવી માતૃ સહજ ચિંતા જ હોય!

આ બે પુરસ્કારો પછી માત્ર બોલીને ઘણા પુરસ્કાર મળ્યા છે.રેડિયો અને ટી.વી. પર કેટલીયે વાર જવા મળ્યું છે પણ આ બે પુરસ્કારોનો રોમાંચ આજે પણ સ્મૃતિમાં અકબંધ છે.

2 comments: