Monday, May 1, 2017

વીસ રૂપિયામાં વર્લ્ડ ટૂર!!!

ખારીસિંગ.... દાળિયા.... બિસ્કિટના પડિકાં!!!!
ગીરગઢડાથી વે..રા..વ..ળ સુધીની રેલગાડીની લાં....બી ( સમયની રીતે લાંબી,અંતરની રીતે તો ટૂંકી જ!!) મુસાફરીમાં અચૂક સાંભળવા મળતો આ સ્વર,સ્ટેશનેથી ગાડી છૂટે એ પહેલાં અલ્ટિમેટમ આપતો પાવાનો પૂ..ઉ..ઉ...પ એવો અવાજ,આંખો ધરાઇ જાય તોયે પૂરું ન થતું પિંછડી ગામનું લાંબુલસ્સ તળાવ,જામવાળાથી આરંભાતું ગીરનું પ્રાકૃતિક વાતાવરણ અને ઓછી ખાંડ'ને એલચીવાળા પેડા ખરીદવા ઈજન આપતા ફેરિયાઓનો સમૂહ,હૈયેહૈયું દળાય એ શબ્દસમૂહનો અર્થ સમજાઇ જાય એટલું માનવ મહેરામણ આપણા ડબ્બામાં જ ઉમટી પડે!!
આપણી ગાડી ક્યાંક અધવચ્ચે ઊભી રહી ગઇ હોય એમ લાગે (હરિ મારું ગાડું ક્યાં લઇ જાય?) પણ પછી ખ્યાલ આવે કે આ તો વલાદરનું પાટિયું છે!! વલાદર-હડમતિયા-જાંબૂર સ્ટેશનો પરથી ઉમેરાંતા મુસાફરો તેમના વાંકડિયા વાળ અને ચળકતા કાળા રંગથી તમને કંઈક નવી જ દુનિયામાં પહોંચી ગયાનો ભાસ કરાવે!!(મુજે મેરી મસ્તી કહાઁ લે કે આઈ!) પણ.. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાંથી આપ તરત પરત આવો છો આ સીદી ભાઇઓ બહેનોના વિશિષ્ટ લહેકા સાથેના ગુજરાતી વાર્તાલાપોથી!!
તાલાળા આવે એટલે (જં.) શબ્દનો ખ્યાલ આવે.એક પછી એક સિગ્નલ પડે એટલે રેલગાડીઓ આવે.એકાદ ગાડીનું એન્જિન આગળથી છૂટું પડી પાછળ જોડાય!! ત્યારે LV  લખેલું લાલ રંગનું પાટિયું પણ બદલાય.આ LV  એટલે લાસ્ટ વ્હિકલ -છેલ્લું વાહન (અહીં ડબ્બો)
તાલાળામાં ગાડી ઘણા લાંબા સમય સુધી પડી રહે. ઉપડવાના સમયે ફરી પાછું પૂ..ઉ..ઉ...પ અને સ્થિર થવા આવેલું વાતાવરણ ફરી એકવાર જીવંત થઇ જાય.
સવની જેવાં એકાદ છૂટપૂટ સ્ટેશન લઇ ટ્રેન પહોંચે વેરાવળ!!!
વીસ રૂપિયામાં જાણે વર્લ્ડ ટૂર કરી હોય એવી રૉયલ ફિલિંગ થાય.
________________

1 comment: