Monday, May 1, 2017

શું તમને કોફી ભાવે છે?

એક ભાઇના નવા નવા લગ્ન થયા! લગ્નના બીજા દિવસે તેમની ઊંઘ તેમના પત્ની કરતાં થોડી વહેલી ઉડી ગઇ. તેમણે પથારીમાંથી ઊભા થઇ દૈનિક ક્રિયાઓ પતાવી. ત્યારબાદ રસોડામાં જઇ બે કપ કોફી બનાવી. એટલી વારમાં તેમના પત્ની ઉઠી ગયાં.પેલા ભાઇએ કોફીનો એક કપ પોતાના માટે રાખ્યો અને બીજો કપ પોતાના પત્ની તરફ લંબાવ્યો. આ રીતે રોજ પેલા ભાઇ સવારે વહેલા ઉઠે,બે કપ કોફી બનાવે,એક કપ પોતે પીવે અને બીજો કપ પોતાના પત્નીને આપે.આ ઘટનાક્રમ જીવનના બીજા ૫૦ વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા કર્યો.લગ્નની સુવર્ણ જયંતિના દિવસે પણ પેલા ભાઇ હંમેશની માફક સવારે વહેલા ઉઠ્યા.૭૦-૭૨ વર્ષની ઉંમરે હળવાં ડગલાં ભરતાં તેઓ રસોડા તરફ ગયા.ધ્રુજતા હાથે ગેસનો સ્ટવ ચાલુ કરી તપેલી મુકી.બે કપ કોફી તૈયાર કરી.સર્વિંગ પ્લેટમાં બન્ને કપ ગોઠવી તે પોતાના પત્ની પાસે ગયા.કોફીનો કપ તેમણે શ્રીમતિજી તરફ લંબાવ્યો પણ અચાનક તેમની દ્રષ્ટિ તેણીની આંખ પર પડી.તેમાંથી દડદડ દડદડ આંસુની ધાર વહી રહી હતી. અનાપેક્ષિત શ્રાવણ-ભાદરવો નિહાળી પેલા ભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા.તેમણે શ્રીમતિજીને સાંત્વના આપતા કહ્યું કે "આજે આપણા લગ્નની સુવર્ણ જયંતિ છે.૫૦ વર્ષોમાં આપણી વચ્ચે કોઇ અણબનાવ નથી બન્યો. બે દીકરા છે બન્ને વેલસેટ છે.વહુઓ પણ દીકરીથીયે વિશેષ મળી છે.તારો ખૂબ જ ખ્યાલ રાખે છે.તને કોઇ વાતનું દુઃખ નથી.વળી, હું પણ તારા માટે રોજ કોફી બનાવું છું. તો પછી તું શા માટે રડે છે?" પેલા બહેને રડતાં રડતાં કહ્યું કે " તમે મને ક્યારેય પૂછ્યું છે કે - તને કોફી ભાવે છે? આ તો પરણીને આવી તેના પહેલા દિવસે તમે પ્રેમથી કોફી બનાવી એટલે મેં પી લીધી.મને શું ખબર કે આ ક્રમ આટલા વર્ષો સુધી ચાલશે!!

6 comments: